If your web browser doesn't support UTF8 format you will not be able to see this page.

If you can't see this page please Click Here.

If you want to see this page by downloading fonts Click Here

હરિ: ૐ
મોટા ચરણે

મોટા! તમારી પ્રતિમા અહીં જે,
સમક્ષ મારી વિલસી રહી છે;
તે ચિન્મયીનાં નયનાંબુજોમાં,
કારુણ્યગંગા છલકી રહી છે.
..૧
તે પ્રેરણામૂર્તિ રહું નિહાળી,
તે ચક્ષુમાં ચક્ષુ રહું પરોવી;
તે હૃત્સરોજે સ્પર્શી હું યાચું,
ના રાખજો મુજ પાત્ર કાચું.
..૨
તમે પ્રભો! પારસ, લોહ હું છું,
સુવર્ણ થાવા તમને અડું છું;
છું કોલસો, અગ્નિ તમે કૃપાળુ,
હું અગ્નિ થાવા તમને અડું છું.
..૩
તમે સખા! સાગર, સ્રોત હું છું,
સમુદ્ર થાવા તમને અડું છું;
સન્દીપ્ત છો જ્યોત, દિવેટ હું છું,
હું દીપ થાવા તમને અડું છું.
..૪
હું બદ્ધ છું, મુક્ત વિભો! તમે છો,
હું મુક્ત થાવા તમને નમું છું;
ડૂબું જળે, સિંધુ તમે તર્યા છો,
'તારો મને'- એ સ્તુતિ હું કરું છું.
..૫
દૈવી ગુણોનો કરીને વિકાસ,
મારા કરો અંતરમાં ઉજાસ;
અર્પો મને આંતરશક્તિ એવી,
જેથી તરું હું ભવસિંધુમાંથી.
..૬
આ પંખીની પાંખ અશક્ત તોયે,
નિ:સીમમાં સંચરવા મથે છે;
ઇચ્છે થવા વ્યોમ વિશે પ્રવાસ,
અનંત ભોમે કરવા નિવાસ.
..૭
તે પંખીની પાંખ ન જાય થાકી,
રૂંધાય તેની ગતિ ના કદાપિ;
એવું તમે જો બળ અર્પશો તો,
સંકલ્પ તેનો ફળશે અનેરો.
..૮
શ્રદ્ધારૂપી તેલ હૃદે પૂરીને,
દિવેટ મારા મનની કરીને;
પ્રજ્વાલીને દીપક પ્રેમનો હું,
નીરાજના આપ તણી કરું છું.
..૯
આ ભાવગંગાજળથી ભીંજાઇ,
સમક્ષ મારી પ્રગટો ત્વરાથી;
દિક્કાલનાં બંધન તોડી નાંખી,
આ વત્સને અંક ધરો કૃપાથી.
..૧૦
વાણી તણું શાશ્વત મૂળ જે છે,
વાણી વડે તે સ્તવી શું શકાશે?
પરંતુ જેથી પ્રગટી સ્વ-રૂપે,
તેને સ્મરી પાવન તે બને છે.
..૧૧
જે આપના અંતરમાં વિશેષે,
સ્ફુરી રહ્યું ભાસ્વર દીપરૂપે;
ચૈતન્યરૂપે સઘળે પ્રકાશે,
તે જ્યોતિને અંતર આ નમે છે.
..૧૨
જો બુદ્ધિથી જ્ઞાન થવા મથું છું,
તો હું વધારે ભ્રમમાં પડું છું.
આથી બધોયે વ્યવસાય છોડી,
પ્રભો ! તમારે શરણે જાઉં છું.
..૧૩
શાસ્ત્રો તણાં અધ્યયનો થકી જે,
ને જ્ઞાનચર્ચા કરવા થકીયે;
કદી નથી પ્રાપ્ત કરી શકાતું,
તે સંતની આશિષથી પમાતું.
..૧૪
તીર્થાટનો ભૂમિતલે કર્યાથી,
અનેક યજ્ઞો પણ આચર્યાથી;
જે સત્યનું દર્શન ના થવાનું,
તે સંતની આશિષથી પમાતું.
..૧૫
સંસારદાવાનળથી તપેલા,
વિષાદના પંક વિશે ફસેલા;
મોટા! તમે આ જનને ઉગારો,
લંબાવીને હાથ હવે તમારો.
..૧૬
વર્ષી રહી છે પ્રભુની કૃપા તો,
તે ઝીલવા પાત્ર મને બનાવો;
છે નાવડી સાગર મધ્ય મારી,
તેને તમે પાર કરો ત્વરાથી.
..૧૭
હૈયે સ્ફુરે ઉત્કટ ભાવનાનું,
દેખી તમોને અણુમાત્ર બિંદુ.
તો આપને અંતર વિશ્વબંધુ,
શો ઊમટે અદ્ભુત ભાવસિન્ધુ!
..૧૮
આ વાદ્યમાં સૂર અખંડ પૂરો,
ને દિવ્યરાગાવલિને જગાવો;
વાજિંત્ર મારા ઉરનું વગાડો,
ને વિશ્વસન્ગીત વિભો! સુણાવો.
..૧૯
આનંદનો સાગર નિત્ય રેલે,
જે આપના કોમલ અંતરંગે;
જ્યાં નાદનું કોકિલ નિત્ય ટૌકે,
ત્યાં જીવ આ શીઘ્ર નિવાસ ઝંખે.
..૨૦
જો આપનો સાથ મળી ગયો તો,
ઉજાગરો અંતરને પછી શો?
કલ્પદ્રુમે આશ્રય અર્પિયો જો,
સંકલ્પ તો કેમ થશે ન પૂરો?
..૨૧
જે જન્મજન્માંતરમાં કરેલાં,
આ જન્મમાંયે પણ આચરેલાં;
જાણ્યે અજાણ્યેય કરેલ કર્મો,
જ્ઞાનાગ્નિમાં તે સઘળાં પ્રજાળો.
..૨૨
મારા હૃદે છે તણખો જ્વલંતો,
જે વીજ શો નિત્ય રહે સ્ફુરંતો;
તેને મહાજ્યોતિ બનાવી નાથ!
ઘનાંધકારે કરજો પ્રકાશ. 
..૨૩
મા નર્મદાએ તવદેહ ઝીલી,
સંસારને ભેટ અપૂર્વ દીધી;
મોટા! તમે જીવનસિદ્ધિ પામ્યા,
ને ખીલવ્યાં જીવન કૈં જનોના.
..૨૪
અપૂર્ણતા આ 'જન'ની અનંત,
જાણો તમે તો પણ હે સમર્થ!
કારુણ્યભાવે નીરખી કૃપાળુ!
આ ખીલવો જીવનપુષ્પ મારું.
..૨૫
હો શુક્લમાર્ગે ગતિ નિત્ય મારી,
તમિસ્રપંથે નવ હો કદાપિ;
આ માર્ગમાં જે પ્રતિકૂળતાઓ,
તેને કૃપાથી પ્રભુ હે! નિવારો.
..૨૬
આ પ્રાર્થના અંતરથી સ્ફુરી છે,
ઊન્ડાણથી આ સરિતા સરી છે.
તે આપનાં બે ચરણાંબુજોને,
પખાળતી ધન્ય બની રહી છે.
..૨૭

-પ્રો. એ. જી. ભટ્ટ